ત તપેલીનો ત નહીં,,,ત તલવાર નો ત….

ફેસબુક સ્ક્રોલ કરતી વખતે અટેલે કે મારા સમયનું નિર્દયતાથી ગળું ઘોંટતી વખતે એક મિત્રએ શેર કરેલા ચિત્રએ મને વિચારવા પર મજબૂર કરી દીધો. આપણી પ્રવર્તમાન શિક્ષણ વ્યવસ્થા કેટલી વ્યવહારું અને આજની વિશ્વકક્ષાની ગળાકાપ હરિફાઈમાં બરાબરની ટક્કર આપી શકવા કેટલી સક્ષમ છે (નોંધ - અહીં બિહારમાં દસમાં ધોરણના ટોપર્સની વાત નથી)


એ ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે હાથી, વાંદરા , શિયાળ, સિંહ , કાગડા અને માછલી બધાએ એક સરખી પરીક્ષામાંથી પસાર થવાનું અને પાસ થવાનું જ્યારે વાસ્તવિકતામાં આ બધા જ પ્રાણીઓની કુશળતા અને પ્રવીણતા તદ્દન અલગ અને વિવિધ સ્તરે ઉપયોગી છે. ભલે આ બધા એક જ જંગલમાં રહે છે પરંતું કાગડો કોઈ દિવસ તરવામાં પાસ થવાનો નથી અને માછલી કોઈ દિવસ ઉડવામાં પાસ નહીં થાય.

તે જ રીતે બે આઁખો , બે કાન , બે હાથ , બે પગ અને લગભગ સમાન શરીર વાળા વિદ્યાર્થીઓ માનવજાતિના હોય શકે પરંતુ તેમની ક્ષમતાઓ , કૌશલ્ય અને કુશળતા માપવાના માપદંડ એટલેકે એકસરખા અભ્યાસક્રમ અને એક સરખી પરીક્ષા કેટલી વ્યવહારું ગણાય??

આજે દુનિયા ઈન્ફોર્મેશન એટલે કે માહિતી અને જ્ઞાનની દિશામાં કુદકે ને ભુસકે આગળ વધી રહી છે. નાના થી લઈને સૌથી મોટા ક્ષેત્રોમાં ઈનોવેશન એટલે કે કંઈક નવું કંઈક વધુ સરળ અને અત્યાધુનિક કેમ થાય તેની માંગ તીવ્રતાથી વધી રહી છે. ત્યારે એવા સમયમાં દરેક વિદ્યાર્થીને બાબરનો પુત્ર હમાયું અને હમાયું નો પુત્ર અકબર એવું ભણાવીને (ગોખાવીને) પરીક્ષામાં ઉલ્ટી કરાવીને તેના માર્કસ્ જોઈને તેનું પાણી માપવામાં આવે તે કેટલું વ્યાજબી ગણાય?

શાળા છોડીને પણ મહાન કાર્યો કરી ચુકેલા વિશ્વને કેટલાય વિરલાઓ મળ્યા છે પરંતું તેવા લાખમાં એક હોય છે. બાકીના બધાનો શું વાંક..બધા જન્મથી ચાણક્ય કે ન્યુટન નથી હોતા..તેના માટે સમાજ અને શિક્ષણ વ્યવસ્થા ઉભી  કરાઈ છે પણ કમનસીબે તે જીવન બનાવવા માટે નહીં પણ એક રેસમાં હંટર મારવાનું જ કામ કરી રહ્યા છે.

થોડા દિવસો પહેલા રાજસ્થાનના કોટામાં આઈઆઈટી જેઈઈ ની પરીક્ષા સારા માર્કસ થી પાસ કરી ચુકેલી વિદ્યાર્થીનીએ હવે આગળના પાંચ વર્ષ એન્જીનીયરીંગ કોલેજમાં ભણવું પડશે (તેના મતે અપેક્ષાઓના અંગારા ઉપર દોડવું પડશે ) એ બીકે આત્મહત્યા કરી લીધી.

આ કિસ્સો માત્ર તણાવના લીધે થયેલા આપઘાતનો નથી..આ આપણી શિક્ષણ વ્યવસ્થાને ઉઘાડી પાડતો અને અતિ મહત્વાકાંક્ષી મા બાપના ચહેરા ઉપર સણસણતો લપડાક છે

આ બધી વાતો સમસ્યા દર્શાવે છે સમાધાન નહીં. પણ તેનો ઉત્તર પણ આપણા હાથમાં જ છે. ભારત ને લાંબા સમય બાદ બહુમતી વાળી સ્થિર સરકાર મળી છે ત્યારે સામાન્ય નાગરિકો, શિક્ષણ સંસ્થાઓ અને બિન સરકારી સંસ્થાઓએ સાથે મળી સરકારને રજૂઆત કરી તેમાં ધરમૂળ થી સુધારા કરવાની જરુર છે

ત તપેલીનો ત નહીં,,,ત તલવાર નો ત…. ગ ગધેડાનો ગ નહીં,,, ગ ગણપતિનો ગ.. લાવવાની તાતી જરુરિયાત છે .

માતાએ ભવિષ્યની નકામી ચિંતાઓ અને સમાજમાં દેખાડો કરવાનો દંભ છોડી બાળકો પર વિશ્વાસ મૂકી તેમને ખિલવાની તક આપવી જોઈએ..  તમારા બાળક ને ધોની, મોદી અને હ્રીતીક બધુ એક સાથે બનાવવાનો લોભ છોડી તેના રસના વિષયમાં જ નિપુણ બનાવો દો.

અને બધી વાતના મૂળમાં જેમાના માટે આ લેખ લખાઈ રહ્યો છે તે વિદ્યાર્થીઓ પોતાની જવાબદારી સમજી અને સમાજને વધારે સારો બનાવવાના સંકલ્પ સાથે મહેનત કરવા ઝઝૂમી પડવું જોઈએ અને મનમાં ગાંઠ બાંધી લો કે બધી જ વસ્તુ ઈન્સટંટ નથી મળતી..અથાગ મહેનતનો કોઈ બીજો વિકલ્પ નથી. તમારા મા બાંપે પેટે પાટા બાંધી ઈન્ટરનેટના રુપિયા તમારા ભણતર માટે ખર્ચ્યા છેપિંકી , રીના , ટીના સાથે ચેટીંગ કરવા નહી..

જય હિંદ

શોર્ટ સર્કિટ -  
(વિદ્યાર્થી એ પરીક્ષાની ઉત્તર વહીમાં લખ્યું કે ગાય હમારી માતા હે..હમકો કુછ નહીં આતા હેસાહેબે પણ જવાબમાં લખ્યું કે બૈલ હમારા બાપ હે...નંબર દેના પાપ હે)

Comments

Popular posts from this blog

તર્ક , વિતર્ક, કુતર્ક

शादी तो नहीं हुई पर संसार आज भी राधा- कृष्ण ही जपता हे!!

બાયલો છે લા આતો…બૈરીનો માર ખાય છે!!