ખાવું છે પણ વાવવું નથી!!


" અરે વાલજી ભાઈ આવી ગરમીમાં ખેતરમાં કામ કરો છો.. આ વખતે તો ગુજરાતમાં ગરમીનો પારો 48 ડિગ્રી પર પહોંચી ગયો... તમારા બન્ને છોકરાઓ ક્યાં ગયા? "

"અરે ના હો કરસનભાઈ, છોકરાઓને તો કાંઈ ખેતરમાં કામ કરાવાતું હશે કાંઈ ?? એ તો ભણી ગણીને દાક્તરને એન્જીનીયર બનશે.. મારી જેન ઘઉં ઉગાડવા , વાવવા, લણવાની કાળી મજૂરી નહીં કરે..ઠંડાગાર એસી વાળા મોલમાંથી જઈને લઈ આવશે... "

તદ્દન સામાન્ય વર્તાઈ રહેલો આ વાર્તાલાપ આવનારા સમયમાં ભારતભરમાં અન્ન સંકટ અને ભૂખમરી લાવવાનો છે... અને તેના પરિણામોની ભયાવહતા જોવી હોય તો હાલના સોમાલિયા દેશની હાલત જોઈ લો..

વર્તમાન સમયમાં કૃષિપ્રધાન દેશ ભારતની દુર્દશા એવી છે કે.. ડોક્ટરનો છોકરો ડોક્ટર બને, સી.એ નો છોકરો સી.એ તો વકીલનો છોકરો વકીલ બને છે...પણ કોઈ ખેડૂતનો છોકરો ખેડૂત બનવાના વિચારથી પણ દૂર ભાગે છે.

ભારત દેશ જ્યાં 65 ટકા વસ્તી આજે પણ ગામડાંઓમાં વસે છે તે ગામડાંઓ શહેરોના પાંકા મકાનો , પહોળા રસ્તા ,ભવ્ય ઈમારતો , મોલ , સિનેમા ઘરો અને હોટલો ની ચમક દમકમાં અંજાઈને તૂટી રહ્યા છે.

પણ શહેરમાં રહેતો હોય, કે ગામડાં માં કે જંગલમાં...બે વાર જમવાનું તો દરેકને જોઈએ જ ને...

પણ દરેક વ્યક્તિ એમ જ વિચારે કે અનાજ એ તો દુકાન માંથી મળી જશે... પાણી એ તો નગરપાલિકા (મુન્સીપાલટી ના નામે પ્રચલિત) ના નળમાંથી આવે... દૂધ એ તો ડેરીમાંથી આવી જ જાય ને...

પણ શું આ વાસ્તવિકતા છે??

અનાજ પેદા કરવા વાળો કારમી ગરીબીનો સામનો ના કરી શકતા આત્મ હત્યા કરી રહ્યો છે.. ભારતભરમાં દર વર્ષે લગભગ 5000 ખેડૂતો આત્મહત્યા કરે છે... ખેડૂતોના છોકરા ખેતી છોડી રહ્યા છે.. તો અનાજ વાવશે કોણ??


તળાવો પૂરીને માવનવસ્તીઓ વિકસાવવામાં આવી રહી છે...નવા કૂવા ખોદવામાં સરકારી તંત્રને કે નગરજનોને રસ નથી... શહેરોમાં શેરીએ શેરીએ આરસીસી રોડ થઈ ગયા છે...જેના લીધે વરસાદનું પાણી જમીનમાં ઉતરતું નથી..પણ આપણે તો સમગ્ર પૃથ્વીના અધિપતિ હોઈએ તેવા અહમ્ ભેર બોલીએ છીએ કે ટેક્સ શેનો આપીએ છીએ.. પાણી આપવાનું કામતો નગરપાલિકાનું જ છે ને....પાણી તો નળમાંથી જ આવેને..

જે ગાયને હજારો વર્ષોથી માં નો દરજ્જો આપવામાં આવ્યો છે અને વાસ્તવિકતામાં પણ જે પશુપાલન વ્યવસાય ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે તે ગાયની અરે તેના વાંછરડાની નિર્મમ હત્યા કરીને તેનું માંસ ખાતા અને નિર્લજ્જતાથી આતો અમારો ખાવાનો અધિકાર છે કહેતા લોકોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે...પણ દૂધ , દહીં , પનીર , ચીઝ તો ડેરીમાંથી મળી જશે નહીં .. ગાયો ભેંસો નહીં હોય તો પણ મળી જશે નહીં..!!??

પણ આ પરિસ્થિતિ માટે જવાબદાર કોણ? આ અજ્ઞાનતા અને અણસમજ માટે જવાબદાર કોણ?

ખેતી પ્રધાન દેશમાં સરકાર દાળ આયાત કરી રહી છે અને શાકાહારની છાપ ધરાવતો દેશ માંસ નિર્યાત કરી રહ્યો છે.

ખેડૂતો પોતાનું લોહી અને પરસેવો સીંચીને ખેતી કરે..તેણે ઉગવેલી ડૂંગળી બજારમાં 25 રુપિયે કિલો વેચાય પણ તેને 2 રુ કિલો મળે..

કોંગ્રેસ હોય કે ભાજપની સરકાર... ખેડૂતોના પાક નાશ થવાના વળતર પેટે 3 રુપિયા અને 5 રુપિયાના ચેક બેશરમીથી આપી ગરીબની આંતરડી કકડાવવાનું પાપ દરેક સરકારે કર્યું છે..

સમય પાકી ગયો છે.. કદાચ થોડું મોડુ પણ થઈ ગયું છે...કે સરકાર અને સમાજનો જાગૃત નાગરિક ખેડૂતની વ્યથાને સમજે અને તેના પડખે ઉભો રહે..મંગળ ગ્રહ પર જવા કરોડો રુપિયા વાપરતા પહેલા આ દેશના ગરીબ ખેડૂતના ઘરમાં થોડી મંગળ વેળાઓ પણ આવે તે સુનિશ્ચિત કરે... સરકાર ગામનો માણસ ગામમાં જ પોતાની આજીવિકા રળી શકે તેવો માહોલ તૈયાર કરે અને વિકાસ લક્ષી પગલાં લે... વિદેશોમાં ખેડૂત  લોન લઈને ખેતીમાં પૈસા રોકે છે જ્યારે ભારતનો ખેડૂત લોન લઈને મામેરુ અને કરિયાવર કરે છે... સમાજે સમયની સાથે આવી રુઢીઓમાંથી મુક્ત થવું પડશે...

નહીં તો આજે જે કારમી અને કફોડી સ્થિતિ ખેડૂતનો ભોગ લઈ રહી છે તે કાલે આપણો અને આપણી આવનારી આખી પેઢીનો કાળ બનશે..


જય હિંદ 

(pictures' source - Internet)
get in touch - vijayshah113@gmail.com




Comments

Post a Comment

Popular posts from this blog

તર્ક , વિતર્ક, કુતર્ક

शादी तो नहीं हुई पर संसार आज भी राधा- कृष्ण ही जपता हे!!

બાયલો છે લા આતો…બૈરીનો માર ખાય છે!!